Thursday, May 10, 2012

|| શ્રીમદ્ વલ્લભાચાર્યજીની ભારત પરિક્રમા ||

|| શ્રીમદ્ વલ્લભાચાર્યજીની ભારત પરિક્રમા ||


મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ તત્કાલીન ભારતના લોકમાનસમાં નવચેતના પ્રગટાવીને નષ્ટ થતી ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરી.

શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ માતા ઇલ્લમાની આજ્ઞા લઈને ભારત પરિક્રમાનો પ્રારંભ કર્યો. દસ વર્ષની બાળવયે માત્ર ધોતી ધારણ કરી ખુલ્લા પગે ચાલીને તેમને ભારતની પરિક્રમા કરી હતી. તેમણે આખાય ભારતની ત્રણ વખત પરિક્રમા કરી. આ પરિક્રમામાં તેમના જીવનનાં ૧૮ જેટલાં વર્ષો વ્યતીત થયાં છે. સંવત ૧૫૪૯માં શ્રાવણ સુદ ત્રીજે ગોકુળમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રીમદ્ ભગવદ્નો પ્રારંભ કર્યો.

આવા સમયે ઠકુરાની ઘાટ ઉપર રાત્રિએ શ્રીજીબાવાએ સાક્ષાત્ દર્શન આપ્યા. ઠાકોરજીએ શ્રીવલ્લભને આજ્ઞા કરી કે આપ જે જીવને મારા નામનું નિવેદન કરાવી બ્રહ્નસંબંધ કરાવશો તે જીવનો હું અંગીકાર કરીશ અને તેના તેના બધા દોષો દૂર કરીશ. શ્રી વલ્લભ જ્યાં જ્યાં પધાર્યા તે ભૂમિ મહાપ્રભુજીની બેઠક તરીકે પ્રગટ થયેલી છે. જે વૈષ્ણવ સંપ્રદાયમાં છોટું વ્રજ ગણાય છે.

સોળમી સદીમાં ઇસ્લામ ધર્મે ભારતમાં મૂળ ઘાલ્યાં હતાં. દિલ્હીના તખ્ત ઉપર લોદીવંશના બાદશાહો રાજ્ય કરતા હતા. તે સમયે દેશમાં રાજકીય અંધાધૂંધી ફેલાઇ હતી. રાજસત્તાના પલટા નીચે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. હરક્ષણ યુદ્ધના ભણકારાના આધારે લોકો જીવન જીવતા હતા. સ્ત્રીઓની સ્થિતિ કફોડી હતી. વટાવ પ્રવૃત્તિએ માઝા મૂકી હતી. સ્ત્રીઓ માટે ઘરની બહાર નીકળવું સહીસલામત ન હતું. પ્રજાનાં હૈયાં વિષાદમાં ઘેરાયેલાં હતાં. લોકોમાંથી જોમ, જુસ્સો, વીરતા, ઓજસ બધું જ ખલાસ થઇ ગયું હતું. આડેધડ મંદિરોનો ધ્વંશ થતો હતો. ધાર્મિક પરિસ્થિતિ અસ્થિર હતી. ધર્મનું હાર્દ ભુલાઇ ગયું હતું.

વૈદિક વિચારધારાની ઇમારત ડગમગવા લાગી હતી. કેવળ બાહ્યાચાર, પાખંડ, વહેમ અને અંધશ્રદ્ધાને પોષનારા અનેક નાના મોટા પંથોએ ધાર્મિક મૂલ્યોનો હ્રાસ નોંતર્યો હતો. યજ્ઞયાગાદિ ક્રિયાઓ ઉપરથી લોકોનું મન ઊઠી ગયું હતું. જ્ઞાનની સુફિયાણી વાતોથી લોકો વાજ આવી ગયા હતા. સર્વત્ર અધર્મનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. આવા અનાચાર, અત્યાચાર અને અંધાધૂંધીના કાળમાં ઇ.સ. ૧૪૭૯માં સવંત ૧૫૩૫ના ચૈત્ર વદ એકાદશીના રોજ મહાપ્રભુ વલ્લભાચાર્યનો જન્મ થયો હતો.

વૈદિક સંસ્કૃતિના પાયા હચમચી ગયા હતા. તેને સ્થિર કરવાની આવશ્યકતા નિર્માણ થઇ હતી. તેવા નાજુક સમયમાં જ્યારે સમાજ અધ:પતિત થયો હતો. મ્લેચ્છાક્રાંત થયો હતો ત્યારે મહાપ્રભુ વલ્લભાચાર્યે ધાર્મિક ભાવનાને સાચું રૂપ આપ્યું. અંધાધૂંધીના આવા કાળમાં તેમણે સાચાં ઓજસ પાથયાઁ અને વૈષ્ણવ ધર્મને યોગ્ય દિશામાં વાળ્યો. વૈદિક પરંપરા અને તત્વજ્ઞાનને સંપૂર્ણ પુષ્ટ કરતા શ્રીમદ્ ભાગવત ગ્રંથનો આધાર લઇ ભક્તિનો આશ્રય લીધો અને જનમાનસને સ્પર્શી જાય તેવું ભાગવતનું રસસિંચન કર્યું. ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું અતિ મધુર રસપાન કરાવી વૈદિક વિચારધારાને સ્થિર કરી અને ભક્તિમાર્ગનો ઉપદેશ આપી તેમણે પુષ્ટિમાર્ગની સ્થાપના કરી.

અભ્યાસુ દ્રષ્ટિથી વિચાર કરીશું તો જણાશે કે જ્ઞાન અને કર્મનો મહાપ્રભુ વલ્લભાચાર્યે નિષેધ નથી કર્યો પરંતુ જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠાનું સ્વતંત્ર અસ્તિત્વ ન રાખતાં તે બંને નિષ્ઠાઓને પ્રભુમાં યોજી છે. તેમના મત મુજબ પ્રભુની સેવા માટે જે કાર્ય થાય તે સાચું કાર્ય અને પ્રભુના માહાત્મ્યનું ખરું જ્ઞાન થાય તે સાચું જ્ઞાન.વલ્લભાચાર્યે કેવળ આદર્શો રજૂ નથી કર્યા. કેવળ ભાવુક બનીને ભાવનાઓ વ્યક્ત નથી કરી, પરંતુ તેમણે જીવનની વાસ્તવિકતાનું સચોટ વેધક દર્શન કરાવ્યું છે. જીવનની સાર્થકતાનો રાહ ચÃધ્યો છે. તેમણે કેવળ વૈષ્ણવો માટે જ નહીં, પણ સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે જીવનનો સરળ રાહ ચÃધ્યો છે.
સમાજમાં તથા ધર્મમાં પ્રવર્તતી હાનિકારક જૂની જડો ઉખેડીને તેની જગ્યાએ નવા બીજનું રોપણ કરી નિસ્તેજ ચેતનાહીન બનેલી ધર્મવાટિકાને તેમણે સુંદર બનાવી. વાસ્તવમાં તે માટે જ તેમનો જન્મ થયો હતો તેમ કહેવું અતિશયોક્તિભર્યું નહીં ગણાય.ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પ્રભુ પ્રાપ્તિ થઇ શકે છે. તે માટે દેહદમન અથવા સંન્યાસ લેવાની આવશ્યકતા નથી, તે મહાપ્રભુજીએ સ્પષ્ટ સમજાવ્યું છે. ઇન્દ્રિય ઓનો પ્રભુની સેવામાં વિનિયોગ કરવાનો સુગમ રસ્તો તેમણે દેખાડ્યો. પ્રભુ એ જ જીવનનું અંતિમ લક્ષ્ય હોવાથી, બધી શક્તિઓને પ્રભુ તરફ વાળવી જોઇએ એવી સમજ તેમણે પ્રચલિત કરી.

હજારો લોકોને તેમણે ઇશ્વરાભિમુખ કરી તેમના જીવન સુધાર્યાં. સ્ત્રીઓ અને શુદ્રો માટે બંધ થયેલાં ભગવદ્ પ્રાપ્તિનાં દ્વાર ખુલ્લાં કરી સંસારના ત્રિવિધ તાપથી તપ્ત થયેલા પીડિત, શોષિત, કચડાયેલા સમાજને તેમણે પડખે લીધો. વ્યક્તિ જીવનમાં અને સમિષ્ટમાં અનેક પ્રવૃત્તિઓ અથવા જે કંઇ બધું થતું રહ્યું છે તે આનંદમય પ્રભુની ક્રીડાપાત્ર છે. એ સમજાવી તેમણે ઉપનિષદનું તત્વજ્ઞાન જનમાનસ સુધી પહોંચાડ્યું.
તત્કાલીન ભારતની અવદશા એ પાનખર જેવી હતી. તેમાં મહાપ્રભુ વલ્લભાચાર્યનું પ્રગટ થવું એ વસંતની પધરામણી સમું હતું. તેમણે પ્રજાનાં જીવનમૂલ્યોમાં પ્રાણ પૂરી નવચેતના પ્રગટ કરી. સૈકાઓથી નશ્વિેતન થયેલા લોકમાનસમાં ચેતના પ્રગટાવી હિન્દુસ્તાનને નવા આદર્શો આપ્યા. નવી ભાવનાઓ જગાડી, નષ્ટ થતી ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરી.
મહાપ્રભુના સિદ્ધાંત માટે, તેમની વિચારધારા માટે ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે
એકં શાસ્ત્રં દેવકીપુત્રગીતમ્
એકો દેવો દેવકીપુત્ર એવ|
મંત્રોડપ્યેકસ્તસ્યનામાનિ યાનિ
કમૉપ્યેકં તસ્ય દેવસ્થ સેવા ||
ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદથી ગાયેલી શ્રીમદ્ ભગવદ્ગીતા એ જ એક શાસ્ત્ર છે. દેવકીપુત્ર શ્રીકૃષ્ણ એ જ એક દેવ છે. મંત્ર પણ એક જ અને તે તેનું નામ સ્મરણ (શ્રીકૃષ્ણ શરણં મમ:) અને શ્રીકૃષ્ણની સેવા એ જ એક ખરું કર્મ છે.મહાપ્રભુજીના ભગવદ્ભક્તિના પ્રચારથી તાંત્રિક કર્મ અને શુષ્ક જ્ઞાનના ભાર નીચે દબાયેલા તત્કાલીન જનમાનસને ધર્મનો સાચો રાહ સાંપડ્યો. જનમાનસમાં ભાગવત ધર્મનું અમીસિંચન થયું. અંધાધૂંધીના એ યુગમાં હિન્દુ ધર્મ અને વૈદિક સંસ્કૃતિનો એક નવો અધ્યાય તેમણે શરૂ કર્યો. લોકોના એ હૃદયસમ્રાટ બન્યા અને લોકોએ તેમને પ્રભુ નહીં, મહાપ્રભુ તરીકે બિરદાવ્યા.
મહાપ્રભુજી વલ્લભાચાર્યનો જન્મ દિવસ છે ત્યારે બુદ્ધિશાળી પુષ્ટિમાર્ગીઓનું એ વિશેષ કર્તવ્ય છે કે જ્યારે સમાજ ભોગાકાંત બન્યો છે અને પુષ્ટિમાર્ગમાં જે કોઇ વિકૃતિઓ આવી ગઇ છે તેથી પુષ્ટિમાર્ગથી અલપિ્ત ન રહેતા મહાપ્રભુજીની વિચારધારાને બુદ્ધિપૂર્વક સમજી લઇ પુષ્ટિમાર્ગને યોગ્ય દિશામાં વાળવો જોઇએ. એ કાળની તાતી જરૂરિયાત છે.
|| શ્રી કૃષ્ણ શરણં મમ:||

No comments:

Post a Comment